વૈશ્વિક મંદીનાં ભણકારા સતત સંભળાય છે.
આજના છાપાના મુખ્ય સમાચાર પર નજર ગઈ કે અમેરિકા બાદ યુરોપમાં બેન્કિંગ કટોકટી. બીજા એક છાપાની હેડ લાઈનમાં લખાયું હતું કે અમેરિકામાં એક જ અઠવાડિયામાં ત્રીજી બેંક બંધ થવાને આરે!; તો એક છાપમાં લખ્યું હતું કે કોરોનાનાં વધતા જતાં કેસ! ઈડી નાં દરોડામાં લાલુ પરિવારની 600 કરોડની સંપત્તિનો પર્દાફાશ! અને હવે તેજસ્વી તથા લાલુની દીકરીઓ પણ સંકજામાં. તો ક્યાંક જર્મનીના ચર્ચમાં એક વ્યક્તિ એ અંધાધૂંધ ગોળીબાર કર્યો, અને છેલ્લે પોતાને પણ ગોળી મારી દીધી. કેલિફોર્નિયાની નદીમાં બરફના તોફાન ને કારણે ભયંકર પૂર આવ્યું! આમ બેન્કીંગ ફેક્ટર ખતરામાં, આફ્રિકન દેશના માવડી માં ફેડી ચક્રવાત આવતા 100 નાં મત! ન્યુઝીલેન્ડમાં શક્તિશાળી ભૂકંપ આવતા ધરા ધ્રુજી! એટલે વૈશ્વિક સ્તરેથી શરૂ કરીને ઈડી એટલે કે દેશની વાત હોય, કે પછી કોરોનાનાં વધતા કેસ એટલે સામજિક વાત હોય! અને પૂર એટલે કુદરતી આફત! સાચે જ સામાન્ય નાગરિક માટે આ બધાં સમાચાર ખરેખર ચિંતાનાં છે, કે આખરે આ બધું આપણને ક્યાં લઇ જશે ?
અત્યારે બોર્ડની પરીક્ષા ચાલું છે, અને સરકારી હેલ્પ પર વારંવાર મારે પરીક્ષામાં ડ્રોપ લેવો છે! મારે પરીક્ષા નથી આપવી! એટલે કે વ્યક્તિગત થી શરૂ કરીને વિશ્વ આખું આજે કોઈ ને કોઈ કારણસર પરેશાન છે! હતાશ છે! નિરાશ છે! અને આ રોજ બદલાતા સમયને કારણે બધી જ ઉંમરના લોકો ડિપ્રેશન અનુભવે છે, એ વાત પાક્કી છે! પણ આટલી ભયંકર પરિસ્થિતિ માટે શું આપણે પણ જવાબદાર છીએ? એવું કોઈ વિચારતું નથી, અને બધા તંત્રનો દોષ કાઢે છે.
ઘરનું આર્થિક તંત્ર હોય કે દેશનું, જે મૂડી હોય એમાં જ જો બધા ખર્ચ સચવાઈ જાય તો એને તકલીફ પડે નહીં! એટલે કે આવક જેટલી જ જાવક હોય તો ગાડું ચાલે રાખે, બચત નો તો અવકાશ જ નથી. દેશ પાસે આવક માટે અંદરો અંદરનાં વેપાર, આંતર રાષ્ટ્રીય વેપાર, અને ટેક્સ તેમજ ખેતી અને કુદરતી તત્વોની ખાણ ખનીજ તેલ જેવા નાના મોટા આયામો છે. પરંતુ વસ્તીનાં પ્રમાણમાં બધાં જ ઈમાનદારીથી ટેક્સ ભરે તો પણ નાણાં ઓછાં પડે. વેપારની વાત કરીએ તો વધું ને વધું સ્વદેશી વસ્તુઓ વાપરીએ તો નાણાં દેશમાં જ રહે, પણ આજે બધાને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો શોખ છે, એટલે પહોંચતા લોકોના નાણાં આપણું નહીં અન્ય દેશનું આર્થિક તંત્ર મજબૂત કરે છે, એને કારણે રૂપિયો ઉંચો આવતો નથી. ટેકસની વાત કરીએ તો દરેક વ્યક્તિ ટેક્સ ભરવા માંથી છટકબારી શોધે છે, એટલે એ રીતે રાજ્ય અને દેશને પૂરતી આવક થતી નથી. ઉપરથી કુદરતી અને કૃત્રિમ અકસ્માત ને કારણે વપરાશમાં ક્યાંય બચતનો કોન્સેપ્ટ રાખી શકાય એમ નથી. સમાજ પણ હેસિયત કરતાં વધુ સુખ સુવિધાનો આદિ થતો જાય છે, અને એને માટે બહુ ઓછાં એ પરિશ્રમનો માર્ગ પસંદ કર્યો, બાકી આજે હવે કોઈ ને પરિશ્રમ કરવો હોતો નથી, કોઈ ને કોઈ સાથે છેતરપિંડી કરીને પોતાના ભોગ સલામત રાખે છે.
અમેરિકા જેવો આર્થિક રીતે સદ્ધર દેશ પણ જો આ પ્રકારની અસલામતી અનુભવતો હોય તો, આપણે ચોક્કસપણે કહી શકીએ કે વૈશ્વિક મંદીના સતત ભણકારા વાગે છે. આમ પણ શેર બજારમાં પણ સેન્સેક્સ સતત તૂટતો જોવા મળે છે, એટલે દરેક વેપારમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. અમેરિકા તો 2008 જેવી જ પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે, એવું વર્તમાન પત્ર કહે છે. કોઈ કહેશે અમેરિકા માં મંદી છે એમાં આપણે શું? પણ અમેરિકાની પાછળ પાછળ આપણે લાઈનમાં જ છીએ. રોજિંદા જીવન પરથી પણ આપણે આનો અંદાજ મેળવી શકીએ, કે દિવસે ને દિવસે મોંઘવારી કૂદકે ભૂસકે વધી રહી છે. ગૃહિણી ઓનું બજેટ વિખરાઈ ગયું છે. વિશ્વનું અર્થતંત્ર કીમતી ધાતુઓ પર ટકેલું હોય છે, એટલે કે આપણા સોના ચાંદીના સરેરાશ મુજબ રૂપિયા અને વિશ્વના અન્ય ચલણના ભાવ નક્કી થતા હોય છે. એટલે કે પહેલા દસ વર્ષે સોનામાં મોંઘવારીનો ક્રમાંક વધતો, જ્યારે આજે કલાકે કલાકે સતત ઉપર નીચે થાય છે, અને એ જ રીતે રુપિયાનું ડીમોલેશન થતું જાય છે.
તો આ વધતી જતી વૈશ્વિક મંદીના કારણો તપાસવા જોઈએ અને એ મુજબ જરૂરી પગલા લેવાથી મંદીની અસર ઓછી કરી શકાય. પૂરાં વિશ્વ સામે અત્યારે બે ચાર મહત્વના મુદ્દાઓ પર ટકી રહેવું, અને એને પહોંચી વળવું બહુ મુશ્કેલ થતું જાય છે, અને એને કારણે આર્થિક મંદી અનુભવાય છે. એક તો વસ્તી, બીજું પ્રદૂષણ અને ત્રીજું કુદરતી તેમજ કુત્રિમ આફતો ને કારણે થતું નુકશાન, તેમજ ભોગની ભરમાર ને કારણે વધતી જતી રોગની માત્રા.
વૈશ્વિક મંદી માટે સૌથી મહત્વનું કારણ વિશ્વના દરેક દેશમાં દિવસેને દિવસે વધતું જતું વસ્તીનું પ્રમાણ છે. વધતી જતી વસ્તીની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે સતત મથતું સરકારી તંત્ર! જે લાખ પ્રયત્ન છતાં સફળ થતું નથી.એક કરતાં વધુ લોકો જે વ્યવસ્થામાં જોડાયેલા હોય એને આપણે તંત્ર કહીએ છીએ, અને આવા તંત્રોમાં બધા જ લોકો સરખી માનસિકતા ધરાવતા હોતા નથી, એટલે કોઈ કોઈ ભ્રષ્ટ પણ હોય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ પોતાનું બેંક બેલેન્સ વધારતા જાય છે, અને સામાજિક પરિસ્થિતિઓ નબળી થતી જાય છે, એને કારણે મંદીની અસર હોય એની કરતા વધુ વર્તાય છે. તો ક્યાંક ક્યાંક વસ્તુઓના કાળા બજાર કરી વધુ રૂપિયા કમાવવાની માનવીય માનસિકતા પણ આની માટે કારણભૂત છે. ઉપરથી કુત્રિમ અકસ્માત અને કુદરતી આફતોનો દરેક દેશે વારંવાર સામનો કરવો પડે છે, એટલે એ રીતે પણ અમુક રૂપિયા કે નાણું વપરાય છે. કોઈપણ દેશનું આર્થિક તંત્ર આવા સમયે તૂટી જવાની પૂરેપૂરી શક્યતા છે, અને એવું જ થયું! છેલ્લા બે વર્ષ પહેલાંના કોરોના કાળને યાદ કરીએ, તો સમગ્ર વિશ્વએ ત્યારે ભયંકર મંદી ભોગવી,અને માંડ માંડ એમાંથી બહાર આવ્યાં હતાં. લોકડાઉનના આ સમયે દરેકે પોતાની જાતનું આત્મ નિરીક્ષણ કરવાનું સમય મળ્યો હતો, અને લોકોએ જો જીવન રહેશે તો નીતિ ચૂકની પોતાની ભૂલ સુધારવાનું ઈશ્વરને પ્રોમિસ પણ આપ્યું હતું. પરંતુ જેવું બધું સામાન્ય થયું! એટલે લોકો આસાનીથી પોતાના પ્રોમિસ ભૂલી ગયાં, અને વળી પાછા સ્વ કેન્દ્રિત જીવન જીવવા લાગ્યાં. જેમાં પોતાની સુખ સુવિધા માટે જ વિચારાય છે, અને એટલે આસાનીથી રુપિયા મેળવવાં ભુલાયેલો ભ્રષ્ટાચાર શરૂ થયો. મોટાભાગનો વર્ગ અનીતિના માર્ગે ચાલતો હોવાથી, વારંવાર કુદરત કોઈ ને કોઈ રીતે વિફરે છે. ઉપરથી પંચ મહાભૂત રુપે રહેલી પ્રકૃતિ આપણું અસ્તિત્વ બચાવવા જોઈશે! એવું પણ વિચાર્યું નહીં અને વિકાસને નામે પ્રાકૃતિક અંગો સાથે પણ બહુ ચેડાં કર્યા, એટલે એ રીતે પણ પ્રકૃતિ નું સંતુલન જળવાયુ નહીં.
વૈશ્વિક મંદી ને તો આપણે રોકી શકીએ નહીં, પરંતુ એની અસર આપણને ઓછામાં ઓછી થાય એવું અવશ્ય કરી શકાય છે. પૂજ્ય બાપુ કહે છે,એમ "લિવિંગ વિથ લેસ" ઓછામાં ઓછી જરૂરિયાતોથી જીવવાનું જો આવડી જાય, તો પછી આ મંદી આપણને અસર કરતી નથી. તો ઘરના આર્થિક તંત્રને તેમજ દેશના આર્થિક તંત્રને સાબદું કરવા માટે દરેકે દરેક જણાયે આવો જીવન સંવારતો સંકલ્પ લઈને જીવવું જોઈએ! એ જ અત્યારનાં સમયની માંગ છે. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)







