કિરાડપુરામાં યુવકોનાં બે જૂથ રામનવમીના અવસર પર સામ-સામે ટકરાયાં હતાં
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરાયાના એક મહિના બાદ તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. અહીંના કિરાડપુરામાં યુવકોનાં બે જૂથ રામનવમીના અવસર પર સામ-સામે ટકરાયાં હતાં, જે બાદ હિંસા ફાટી નીકળી હતી .
તોફાની ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસનાં વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મી સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા. હિંસા રાત્રે 11.30 વાગ્યે શરૂ થઈ અને સવારે 3.30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
આજે એટલે કે ગુરુવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિરાડપુરા વિસ્તારમાં આવેલા રામમંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી હતી. રાત્રે 11.30 વાગ્યાની આસપાસ યુવાનોનું ટોળું મંદિર તરફ જઈ રહ્યું હતું. અહીં તેમને અન્ય જૂથ સાથે ઝગડો થયો અને બોલાચાલી વધી ગઈ હતી. બંને જૂથમાં વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા.
થોડીવાર પછી એક જૂથે મંદિર તરફ પથ્થરમારો કર્યો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા મંદિરમાં ઘૂસ્યા, તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. લોકોએ પોલીસને જણાવ્યું, પરંતુ પોલીસ આવી ત્યાં સુધીમાં તો આગચંપી શરૂ થઈ ચૂકી હતી. તોફાનીઓએ મંદિરની સામે પાર્ક કરેલી પોલીસની ગાડીને આગ ચાંપીને ફૂંકી મારી હતી.
ભીડને કાબૂમાં લેવા માટે કેટલાક ધર્મગુરુઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ભીડ તેમની વાત માનવા માટે પણ તૈયાર ન હતી. ટૂંક સમયમાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો, પરંતુ તોફાનીઓએ તેમના પર પણ પથ્થરમારો કર્યો હતો અને કારના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ પણ છોડ્યા
હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભીડને બેકાબૂ થતા જોઈને પોલીસે હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આઝાદચોકથી સિટીચોક સુધીના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. લોકોએ જણાવ્યું કે મોટા ભાગના નાગરિકોનાં ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નાગરિકો ત્યાં હાજર લોકોને તેમના ઘરની બહાર આવવા અપીલ કરી રહ્યા હતા, સવારે 3.30 વાગ્યાથી ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ થયા હતા.
પોલીસ કમિશનરે કહ્યું- તોફાનીઓને પકડવા માટે 8-10 ટીમ બનાવવામાં આવશે
છત્રપતિ સંભાજીનગરના પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે પોલીસ કિરાડપુરામાં રાત્રે તંગદિલી સર્જવાનો પ્રયાસ કરનારા તોફાનીઓને પકડવા માટે પોલીસની 8થી 10 ટીમ બનાવવામાં આવશે. રામનવમીને ધ્યાનમાં રાખીને કિરાડપુરામાં રામ મંદિરમાં તૈયારીઓમાં લાગેલા યુવકોના જૂથની અન્ય જૂથ સાથે બોલાચાલી થઈ હતી. એ બાદ તોફાની ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ સાથે પોલીસનાં વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રાત્રે 11.30 વાગ્યાથી શરૂ થયેલી હિંસા 3.30 વાગ્યે કાબૂમાં લેવાઈ હતી. છત્રપતિ સંભાજીનગરમાં સ્થિતિ હવે કાબૂમાં અને શાંતિપૂર્ણ છે.





